પાટડી: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીના ચકરાવા વચ્ચે રવિવારે ખેરવા આવેલા પાસ નેતા હાર્દિક પટેલે હુંકાર કર્યો હતો કે ઈડરથી આવેલા આયાતી ઉમેદવારને 9મી ડિસેમ્બરે ઉભી પૂંછડીએ ભગાડીએ.
પાટડી તાલુકાના ખેરવા ગામે પ્રચાર કરવા આવેલ પાસ નેતા હાર્દિક પટેલે હાજર જનમેદનીને હુંકાર કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ ખેરવાના પાટીદારોએ ભાજપના નેતાઓને ગામમાંથી ભગાડી પાટીદાર પાવરનો પરચો બતાવ્યો હતો.
આ પ્રસંગે આક્રમક મૂડમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જે નેતાને ઈડરના લોકોએ ન સાચવ્યા એ નેતાને આગામી ચૂંટણીમાં ઉભી પુંછડીએ ભગાડવાની સાથે કોંગ્રેસ ઉમેદવારને જીતાડવાની હાકલ કરી હતી. હાર્દિક પટેલની સભામાં જનમેદની ઉમટી પડી હતી.
આ વિસ્તારના ભાજપના ઉમેદવાર માટે મારા બાપા જો પ્રચાર માટે આવે તો પણ ભાજપને મત ના આપતા, અને મેં રસ્તામાં આવતા જોયું કે કેનાલો આજુબાજુના ખેતરો ખારાશથી ખેદાન મેદાન થઈ જતાં રણકાંઠાના અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
ખેડૂતોને એમની ઊપજનો યોગ્ય ભાવ મળતો નથી અને વિજળી પણ મળતી નથી આથી લોકોએ આ બાબતે યોગ્ય નિર્ણય લઈ યોગ્ય ઉમેદવારને જીતાડવા કટીબદ્ધ બનવું જોઇએ તેવું હાર્દિક પટેલે જણાવ્યું હતું.